મગર ની વાર્તા

મગર ની વાર્તા -

૨૦૧૮ માં સપ્ટેમ્બર માં મમ્મી કેન્સરમાં મૃત્યુ પામી.એ વખતે બનેલી આ ઘટના મારા માનસપટ ઉપર હજુય છે.

મમ્મીના અસ્થિવિસર્જન નો પ્રશ્ન હતો.પિક્ચરોમાં જોયેલું એટલે કે ખરેખર મા માટેનું ગાંડપણ એ નહીં ખબર પણ મને એવો આગ્રહ હતો કે મમ્મીનું અસ્થિ વિસર્જન તો હું જ કરીશ.અમારા બ્રાહ્મણ ૨૦૧૮માં ૨૦૧૮ ના જ વિચારો ધરાવનારા એટલે એમણે કહ્યું કે જો બેટા તું હરિદ્વાર તો હમણાં તરત જઈ ન શકે અને આટલા બધા દિવસો અસ્થિ ઘરમાં રાખશે તો બધા સવાલો ઉભા થશે.એટલે તું એક કામ કર કે નર્મદા નદી ના ત્રિવેણી સંગમ માં તું અસ્થિ વિસર્જન કરી દે.એટલે અમે ચાણોદ જવાનું નક્કી કર્યું અને વિચાર્યું કે કોઈ બ્રાહ્મણ કરીને વિધિઓ નથી કરાવવી બસ ભગવાન નું નામ દઈને અસ્થિ વિસર્જન કરી દેવા છે.

અમે ચાણોદ પહોંચ્યા તો એક ગામવાળાને અસ્થિ વિસર્જન નો રસ્તો પૂછ્યો એટલે એણે કહ્યું કે તમે આ ફલાણે રસ્તે જાઓ એટલે ત્યાં ડાયરેક્ટ વિસર્જન થઇ જશે.મને ગામનું નામ યાદ નથી પણ કદાચ કરનાલી ગામ હતું.અને ત્યાં એક ઘાટ હતો જ્યાં દાદરો ઉતરી ને નદી સુધી જતો હતો.અમારા આશ્ચર્ય વચ્ચે બપોર નો સમય હતો કે શું પણ ઘાટ આખો ખાલી હતો.હું ચાલતો ચાલતો નીચે ઉતરો.મારી સાથે મારા બંને દીકરા,પપ્પા અને સોનલ બધા પાછળ આવ્યા.મારા ફુઈ પણ સાથે હતા.ઘાટ આખો સુમસાન.માણસ તો છોડો એક ચકલુંય નહોતું ફરકતું.સામે દૂર કુબેર ભંડારી નું મંદિર અને ત્યાં દૂર હોડીઓ અને માણસો ની ચહલ પહલ દેખાઈ અને મને થયું આ શું.ત્યાં માણસો અને અહીંયા કોઈ નહીં? મને થયું હશે.અને ચાલતો ચાલતો હું પ્રસાશને બનાવેલી સિંગલ પટ્ટી પર જે અડધી પાણીમાં ગરકાવ હતી એના પર પહોંચ્યો.ત્યાં થી આગળ મેં મારા પરિવાર ને આવવાની ના પાડી દીધી કારણકે લિલ ના થોથરો બાઝ્યા હતા.જરાક ગફલત ને પગ લપસીને નદીમાં ગરકાવ થઇ જવાય એવી હાલત.મને પણ થોડું તો ડરામણું લાગ્યું પણ જાતે જ અસ્થિ વિસર્જન ની મહેચ્છા એ હવે જીદનું સ્વરૂપ ધારણ કરેલ હતું.ઘરવાળાઓને દૂર ઉભા રાખીને હું એકદમ ધીમા પગે આગળ વધ્યો અને એ પતલી પટ્ટી નદી ની મધ્યે સુધી જતી હતી તેના અંત સુધી ગયો.હવે તો મને મારા ઘરવાળા પણ નાનકડા દેખાતા હતા.આજુબાજુ ચારેકોર પાણી અને વચ્ચે હું.મમ્મી ને યાદ કરી ને પ્રેમ થી મેં અસ્થિ વિસર્જન કર્યું.અને ગયેલો એટલી જ સાવચેતી થી એકદમ ધીમા પગે હું ફરી થી પાછો વળવા માંડ્યો.ઘરવાળાની પાસે પહોંચીને અમે પાછા ઘાટ તરફ જવા માંડ્યા અને ત્યાં ખરી વાત થઇ.

ઘાટ ના દાદર ઉપર એક માસી મળ્યા.એ અમને જોઈને નવાઈ પામ્યા.કહે તમે અહીંયા શા માટે? મેં કહ્યું અસ્થિ વિસર્જન કરવા.તો કે તમારે સામે કુબેર ભંડારી ના મંદિર થી હોડી કરીને વચ્ચે જવાનું હોય.અહીંયા થી કેમ ગયા? મેં કીધું કેમ અહીંયા વચ્ચે ત્રિવેણી સંગમ નથી આવતો?માસી કહે - સંગમ તો આવે છે પણ ભાઈ અહીંયા વચ્ચે ૨૦ થી ૨૨ મગરો છે.એટલે કોઈ અહીંયા થી જતું નથી.ગમે ત્યારે આવી ચઢે.અને એ વાક્યે અમારા બધા ની છાતીમાંથી પાણી નું ટ્પકુ પડતું હોય એટલો મોટો ધ્રાસ્કો પાડ્યો.માસી કહે કઈ નહીં,તમે જાઓ.જેના અસ્થિ વિસર્જિત કર્યા છે તેના આશીર્વાદ હશે કે તમે સલામત આવી ગયા.

એ દિવસે મને એક વાત સમજાઈ કે આપણે જેને ડિવાઇન શક્તિ કહીએ છે એ ખરેખર હોઈ શકે છે.આપણે જેને સ્પિરિચ્યુઅલ વાઈબ્સ કહીએ છે એ ખરેખર હોઈ શકે છે.મારી મા એ મને ખરેખર આશીર્વાદ આપ્યા જ હશે.એણે જ મને સબ સલામત રાખ્યો હશે.ક્યાં તો એવું પણ હોય કે મગરો ઊંડા પાણીમાં ગરકાવ થઇ બપોરની મીઠી નીંદરિયું માણતા હોય ને હું બચ્યો હોઉં.ક્યાં તો એવું પણ હોય કે મગરો ત્યાં હોય જ નહીં અને બીજી દિશામાં જતા રહ્યા હોય.

બસ એટલું સમજાય છે કે આ સૃષ્ટિમાં ખતરો બધે જ છે.બસ આપણને જ્યાં ડર લાગે છે ત્યાં એ ખતરો વધતો દેખાય છે અને આપણને શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો એ આસ્થા ની શક્તિ થકી આપણે મગર ને પણ પહોંચી વળીએ.

અત્યાર ની પરિસ્થિતિમાં આપણે આ "કોરોના" ને મગર જ સમજીએ.કદાચ એ હોય પણ,ન પણ હોય.પણ એના ડર થી આપણે આપણી મંઝિલ સુધી પહોંચવાનો પરિશ્રમ જ છોડી દઈએ,જીવવાનું જ ડર ના ઓછાયા હેઠળ ચાલુ કરી દઈએ તો આપણા પગ લિલ થી બાઝેલી જીવન ની પટ્ટી પર થંભી જશે.બને કે કોરોના નહિ પણ એનો ડર મારી નાખે.કોરોના થાય ને કદાચ શું થાય એ ડર આપણને અત્યારે મગર બની ને મારી તો નથી રહ્યો ને?

આ સવાલ દરેક વ્યક્તિએ પોતાને કરવો રહ્યો.જીવન ને મળેલી આ તકલીફમાંથી બહાર પગ મુકવાનો એક આત્મવિશ્વાસ ભર્યો રસ્તો કદાચ મળી જાય.

સત્યેન નાયક દિલસે