રાષ્ટ્રીય એકતા દિવસ

હિન્દૂ મુસ્લિમ, સવર્ણ દલિત,અમીર ગરીબમાં વહેંચાઈ ગયેલી આપણી નબળી માનસિકતા "રાષ્ટ્રીય એકતા દિવસ" કેમ કરીને મનાવશે? ઉપર સરદાર સાહેબ ને પણ થતું હશે કે આવી એકતા મેં પણ નહોતી વિચારી.કમનસીબી ની વાત છે કે લોહપુરુષ ફક્ત પૂતળા તરીકે ઓળખાય છે.તેમના વિચારો ગાયબ છે.તેમના પૂતળા ની ઊંચાઈ જોવાય છે પણ તેમની માનસિકતા ની ઊંચાઈ ના આપણે પા ભાગના પણ નથી રહ્યા.આપણે એટલી હદે નબળા થઇ ગયા છે કે દેશ ની આઝાદીમાં ગાંધીજી વિશે સારું બોલે કોઈ તો ભગતસિંઘ અને સરદાર ના સમર્થકો ઉભા થાય છે અને સરદાર વિશે આપણે ફક્ત રાજકીય નેતાઓ ની નજર થી જોઈએ છે.શાંતિ થી વિચારો કે જો 1947 પહેલા ગાંધી નહેરુ કે સરદાર આ રીતે લડ્યા હોતે તો શું આપણને આઝાદી મળતે ખરી? આજે આપણે શું કરી રહ્યા છીએ?આપણે અંદર અંદર લડી રહ્યા છીએ અને તે પણ રાજકારણ આપણને લડાવી રહ્યું છે.વોટ નાખતી વખતે જો આપણે "હિન્દૂ સલામત" કે "મુસ્લિમ સલામત" વિચારવું પડે તો થું છે આપણી વિચારધારા પર.આપણામાંથી કોઈ સરદાર સાહેબ ને સમજી જ નથી શક્યા.સ્કૂલ કે કોલેજમાં આપણે જેટલું નથી ભણ્યા એટલું આજે વોટ્સએપ ફેસબુક કે ટ્વીટર અને આપણને ગેરમાર્ગે દોરતા ન્યુઝ થી ભણી ચુક્યા છીએ કે ૨૧મી સદીમાં આપણે આંતરિક સુરક્ષા અને અખંડિતતા ની મા બેન એક કરી રહ્યા છીએ.હું મારા છોકરાઓ ને જયારે એમ પૂછતાં જોઉં છું કે પપ્પા મુસ્લિમ છોકરો છે પેલો તો.એટલે એને પૂછું કે હા તો એમાં શું થયું બેટા?એટલે એ કહે રિક્ષામાં બધા કહે કે એની સાથે બહુ બોલવાનું નહીં.કોણ ઝેર ભરે છે આ લોકો માં?આવા લોકો ને જાહેરમાં કોરડા વીંઝવા જોઈએ કે બાળકો ને સારું શીખવાડવાને બદલે આવનારી પેઢી માં નફરત ના ઈન્જેક્શન્સ ભરે છે.રાષ્ટ્રીય એકતા દિવસ નો મર્મ અને મતલબ જો આપણે સમજી શકીએ તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે આપણે સહુ સોશિયલ મીડિયા અને પેઈડ ન્યુઝ ચેનલ્સ ના બંધાણી થઇ ગયા છીએ.એક ડ્રગ એડિક્ટ જેવી પરિસ્થિતિ છે આપણા સહુ ની કે ઝેર અને નફરત સિવાય આપણે કશું ન તો જાણી રહ્યા છીએ ન તો શીખી રહ્યા છીએ.મારી તમારી સાથે જ રહેતા અને મોટા થયેલા લોકો અચાનક થી પારકા અને અળખામણા કેમ થતા જાય છે?કશ્મીર અને પાકિસ્તાન આ બે એવી જગ્યાઓ કે જ્યાં આપણામાંના ૮૦% જીવન માં માંડ ૧ કે ૨ વાર ગયા હોઈશું તેના માટે થઇ ને આપણે ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન કે મધ્યપ્રદેશમાં કેમ લડીએ છીએ? ખરેખર લખી રાખજો કે આપણા લોહપુરુષ અને અખંડ ભારત નું સપનું જોનાર સરદાર પટેલે આવું તો નહોતું જ વિચાર્યું.પાંગળી પેઢી માં સંપૂર્ણ પણે ઢળી જઈએ એ પહેલા હજુ પણ જાગીને જાણવાની જરૂર છે કે કોઈ કોમ સલામત હોય કે નહીં હોય પણ "ભારતીય સલામત" છે કે નહીં?? બાકી ભગવાન હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ,મૂર્તિ થકી પ્રતિભા સાબિત નથી થતી તેમના પ્રભાવ અને તેમના વિચારો ની આપણા જીવનમાં થતી વ્યક્તિગત અસર થકી તેમનું અસ્તિત્વ સાબિત થાય છે.રાષ્ટ્રીય એકતા દિવસ અને પટેલ સાહેબ ની ૧૪૪મી જન્મજયંતિ એ આ જવાબદારી આપણા સહુની છે.સમજી શકીએ તો સારુ બાકી ૨૧મી સદીમાં આપણે યાદવાસ્થળી ન સર્જીએ એ જ પ્રભુને પ્રાર્થના - સત્યેન નાયક દિલસે