દેખાડા ની દોડ -

ઔકાત શબ્દ મને થોડો વધારે ખુંચે એવો લાગે છે.હું મર્યાદામાં રહેવાને વધારે પસંદ કરું છું.મર્યાદામાં રહેવું એટલે કે આપણી પરિસ્થિતિ મુજબ ની હદમાં રહેવું.આપણને આર્થિક,માનસિક અને શારીરિક રીતે જે સંતોષ આપી શકે એવા જીવન ને માણવું.ઘણા બધા લોકો પોતાની મર્યાદા ઓળંગીને

વધુ પડતા દેખાડાની દુનિયા ને કેમ જીવી રહ્યા છે એ સમજવું બહુ જરૂરી છે.આપણે અત્યારે ૨ દુનિયામાં જીવીએ છીએ.એક ડિજિટલ અને બીજી આપણી ખરી દુનિયા કે જેને આપણે જીવવાનું ભૂલી રહ્યા છીએ.ડિજિટલ દુનિયા એ સંપૂર્ણ પણે દેખાદેખી ની દુનિયા છે.આ દુનિયાનો આપણે સહુ હિસ્સો છીએ.સામાન્ય ફોટો અપલોડ કરવા થી શરુ કરીને અઘી-પાદી બધું જ આપણે વોટ્સએપ,ફેસબુક,ઇન્સ્ટાગ્રામ,સ્નેપચેટ પર મુકતા થઇ ગયા છીએ.ફેસબુક ફ્રેન્ડ્સમાં કોણે શું કર્યું,વોટ્સએપ સ્ટેટ્સ માં કોણ ક્યાં ગયું,કોણે શું લીધું એ બધું જોઈ જોઈને અંદરોઅંદર ઈર્ષ્યા અને ઝેર આપણે જ જગાવ્યું છે.અને આ જ ભાવના આપણી અંદર હું હજુ સારી રીતે જીવીને બતાવી દઉં ની સ્પર્ધા જગાડે છે.આપણને ખબર પણ ન પડે એ હદે આપણે આ ડિજિટલ કોમ્પિટિશન ના ભાગ બનીને જરૂર ન હોય તેવી વસ્તુઓ કે સર્વિસીઝ અને ફરવાની જગાઓ સોશિયલ મીડિયા ઉપર મુકવા માટે હોડ લગાવીએ છીએ.કોને કેટલા લાઇક્સ,કેટલી કમેન્ટ્સ એ બધા ચક્કરમાં આપણે હજુ સારું,હજુ બહેતર વસાવતા જ જઈએ છીએ.મારી બર્થ ડે પાર્ટી સૌથી ગ્રાન્ડ હોવી જોઈએ થી લઈને મારા શૂઝ,મારા સનગ્લાસિસ,મારો ટ્રેકપેન્ટ કે પછી મારુ મોબાઈલ કવર આ બધું જ આપણને ઘેરી રહ્યું છે.જરૂર એટલું જીવન ની ભાવના ભૂલીને બતાવી દેવાના ચક્કરમાં આપણે ચાદર કરતા વધારે પગ તાણી રહ્યા છીએ.તમે માર્ક કરો તો ૮૦% લોકો એકબીજા ની પોસ્ટ ને ફોલો કરીને પોતે પણ તેવા થવા ટ્રાય કર્યા જ કરે છે.આ ચક્કરમાં ઘણાબધા ના ફાયનાન્શીયલ પ્લાનિંગ અટવાતા મેં પોતે જોયા છે.એક નજીકના સી.એ મિત્ર એ એના વોટ્સએપ સ્ટેટસમાં લખેલું તેમ કે ફાયનાન્શીયલ પ્લાનિંગ માં કોઈ વ્યક્તિ "દેવામુક્ત જીવન" ની આશા તો રાખતું જ નથી.બિગ બિલિયન સેલ માં ક્રેડિટકાર્ડમાં કે બજાજ ફિન્સર્વ થી ઈ.એમ.આઈ પર ખરીદી કરી આપણે ખરેખર દેવા વધારી રહ્યા છીએ.અને એની પાછળ આ હરીફાઈ વાળી ભાવના જગાડનાર સોશિયલ મીડિયા જવાબદાર છે.સતત એડવેરટાઈઝનો મારો અને એક વાર કોઈ ઈન્કવાયરી કરો એટલે એ જ વસ્તુઓને રિલેટેડ એડવેરટાઈઝ સતત નજર સામે આવીને આપણું બ્રાઇનવોશ કરે છે.આપણે પણ ચાલ ને જોવાઈ જશે એટિટ્યૂડમાં ખરીદી કર્યે રાખીએ છીએ.ફર્યે રાખીએ છીએ અને એ ભૂલી જઈએ છે કે આપણી મર્યાદા શું છે.ક્યાં અટકવાનું છે એ ભૂલી જવા માંડયા છે બધા.સોશિયલ મીડિયા પર ફાંકા ફોજદારી કરીને લોકો હીરો હિરોઈન વાળી ફીલિંગ લયે રાખે છે.અંદર ની પરિસ્થિતિ,કકળાટ,કંકાસ,પૈસા ચૂકવવાનું ટેંશન અને પ્લાનિંગ બધા જ પ્લેટફોર્મ પર સંપૂર્ણ પણે નિષ્ફ્ળ સાબિત થઈએ છીએ.સમય એવો છે કે બધા ને સબંધ બગાડીને વ્યવહાર બગાડવો મંજુર છે પણ મર્યાદામાં રહીને પ્લાનિંગ કરીને સુખમયી જીવન જીવવામાં શરમ આવે છે.આ જે વાક્ય છે ને એટીટ્યુડ વાળું કે "હું કેમ નહીં" એણે ઘણા બધાની બેન્ડ વગાડી છે અને સોશિયલ મીડિયા તેમાં મેઇન વિલન છે.જે સમજી શકે એ ખુશનસીબ લોકો માનસિક રીતે તણાવ મુક્ત જીવન લાંબા ગાળા માટે જીવી શકશે બાકી લખી રાખજો કે મર્યાદા ની બહાર જઈને કરેલા ખર્ચ ને સોશિયલ મીડિયા માં હાઇલાઇટ કર્યા કરવા થી ફક્ત ૫૦-૧૦૦ લાઇક્સ વધશે પણ ઘર તો આપણે જ ચલાવવાનું રહેશે,એના માટે માર્ક ઝુકરબર્ગ કે એપલ આઈફોન ના સીઈઓ નહીં જ આવે - સત્યેન નાયક દિલસે